Railway

અમદાવાદ-બોટાદ લાઇનનાં રેલવે સ્ટેશનો શરૂ થતાં પહેલાં તૂટી ગયાં

 

અમદાવાદ – બોટાદ રેલવે લાઇનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં બદલવામાં આવી છે. આ રૂટની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. હાલમાં ટ્રેક અને સિગ્નલ સિસ્ટમ સહિત આ રૂટ પર આવતાં સ્ટેશનોના નિર્માણની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે, પરંતુ ધોળકા સહિત અન્ય સ્ટેશનો તેમ જ અન્ય કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલી કામગીરી ખૂબ જ હલકી કક્ષાની હોવાથી આરસીસી બાંધકામ પણ તૂટવાની સાથે સ્ટેશન પર લગાવેલા પથ્થરો નીકળી ગયા છે. આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાની સાથે મોટા પાયે કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની ડીઆરએમ સમક્ષ માગણી કરાઈ છે.

 

આ કથિત ભ્રષ્ટાચાર વિશે ધોળકાના જિતેન સમ્રાટે જણાવ્યું કે, હાલ ધોળકા સ્ટેશનના પ્લેટફોર્મ પર પથ્થર લગાવવાની સાથે આરસીસીની કામગીરી ચાલી રહી છે. સામાન્ય રીતે આરસીસીની કામગીરીમાં પ્લેટફોર્મ પર ત્રણ લેયર હોવા જોઈએ, પરંતુ અહીં ફક્ત એક જ લેયરમાં કામગીરી કરાઈ છે. જ્યારે ફાઉન્ડેશનમાં લગાવેલા પથ્થરો નીકળી ગયા છે. તેની સાથે જ આરસીસી મટિરિયલ તૈયાર કરવા ઉપયોગમાં લેવાતા કોંક્રિટ, સિમેન્ટ, રેતી સહિત અન્ય મટિરિયલને યોગ્ય પ્રમાણમાં ઉપયોગમાં લેેવાયું નથી, જેના પગલે આ રૂટ શરૂ થતાં પહેલાં જ આરસીસી કામ નબળું પડવાથી તૂટવા લાગ્યું છે. આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે.