Rajkot Live
Breaking News
Breaking Newsગુજરાતરાજકોટરાજકોટરાજકોટ ગ્રામ્ય

“અમૃત સરોવર નિર્માણ”- જળ-સમૃદ્ધિ સાથે દેશવાસીઓને દેશપ્રેમથી સિંચિત કરવાનું મિશન

Share

“અમૃત સરોવર નિર્માણ”-
જળ-સમૃદ્ધિ સાથે દેશવાસીઓને દેશપ્રેમથી સિંચિત કરવાનું મિશન
૦૦૦૦૦ ૦૦૦૦૦૦
મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશને “જળસંકટથી આઝાદ” કરવાના રચનાત્મક મિશનમાં સામાન્ય જનની સામેલગીરી
૦૦૦૦૦ ૦૦૦૦૦૦
ખાસ લેખઃ સંદીપ કાનાણી
૦૦૦૦૦ ૦૦૦૦૦૦
“शहीदों की चिताओं पर जुड़ेंगे हर बरस मेले । वतन पर मरनेवालों का यही बाक़ी निशाँ होगा” – જગદંબા પ્રસાદ મિશ્ર “હિતૈષી”ના કાવ્યની આ પંક્તિ જાણે “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે નિર્માણ થઈ રહેલા અમૃત સરોવરો બાબતે સાર્થક થવા જઈ રહી છે.
હાલમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. આપણા દેશની આઝાદી માટે જે જાણ્યા-અજાણ્યા વીર-સપૂતોએ સંઘર્ષ કર્યો છે, બલિદાનો આપ્યા છે, તેમનું સ્મરણ કરીને, ભાવાંજલિ આપવાનો આ મહોત્સવ છે. આ નિમિત્તે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તેમજ વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે. દેશના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મહોત્સવના પ્રારંભની સાથે દેશના દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનો એક લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. જેમાં દેશના તમામ રાજ્યોના જિલ્લાઓ જોડાયા છે.
અમૃત સરોવરોની વિશેષતા એ છે કે, તે દેશના વિવિધ વિસ્તારોની જમીનના તળને જળથી સમૃદ્ધ તો કરશે જ, સાથે આ સરોવર દેશવાસીઓમાં દેશપ્રેમની ભાવનાનું પણ સિંચન કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમૃત સરોવરોના નિર્માણને એક મિશનની જેમ શરૂ કર્યું છે. અમૃત સરોવરોના નિર્માણ માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ માટે અલગથી એક વેબપોર્ટલ https://amritsarovar.gov.in પણ બનાવવામાં આવ્યું છે. જેમાં અમૃત સરોવરોના નિર્માણ સહિતની વિગતો નિયમિત અપડેટ કરવામાં આવે છે.
શરૂઆતમાં દેશભરમાં ૫૦ હજાર અમૃત સરોવરો તૈયાર કરવાનો લક્ષ્યાંક હતો. એ પછી તેમાં વધુ ૫૦ હજાર જેટલા સરોવરોની સંખ્યા ઉમેરીને ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં આ સરોવરો તૈયાર કરવાનુ ધ્યેય રાખવામાં આવ્યું છે. જેમાંથી ૬૩ હજારથી વધુ સાઇટસ્ પર અમૃત સરોવરોના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ૨૯૦૦થી વધુ અમૃત સરોવરોના નિર્માણનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને ખૂબ જ તેજગતિથી તેની કામગીરી ચાલી રહી છે. જેમાં ૨૭૦૦થી વધુ સ્થળોએ અમૃત સરોવરોના નિર્માણની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને ૧૪૦૦ કરતા વધુ સ્થળોએ અમૃત સરોવરોનું નિર્માણ થઈ ચૂક્યું છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, અમૃત સરોવરોના નિર્માણ માટે ૯૨ સ્થળોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમાંથી ૯૧ સ્થળોએ કામગીરી શરૂ થઈ ચૂકી છે.
અમૃત સરોવરો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચોક્કસ માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે. જે મુજબ, અમૃત સરોવર ઓછામાં ઓછું એક એકર (૦.૪૦ હેક્ટર) વિસ્તાર અને ૧૦ હજાર ક્યુબિક મીટરની પાણીની સંગ્રહક્ષમતા ધરાવતું હોવું જોઈએ. ૧૦ એકર સુધીનું વિશાળ સરોવર પણ નિર્માણ કરી શકાય છે. આ ઉપરાંત કોઈ જિલ્લો ભૌગોલિક સ્થિતિ વિશેષને ધ્યાને લઈને, વર્તમાન હયાત સ્થળો-તળાવોને પણ અમૃત સરોવરો અંતર્ગત વિકસાવી શકે છે.
તમામ રાજ્ય સરકારોએ જિલ્લા વહીવટી તંત્ર મારફતે વર્તમાન સમયમાં ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓ જેવી કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, ૧૫મા નાણાકીય પંચની ગ્રાન્ટ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પેટા યોજનાઓ જેમ કે, વોટરશેડ ડેવલપમેન્ટ કોમ્પોનન્ટ, દરેક ખેતરને પાણી સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આ અમૃત સરોવરોના નિર્માણ કરવાના રહેશે. આ ઉપરાંત લોકફાળો, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તેમજ જનભાગીદારીથી પણ આ સરોવરોનું નિર્માણ કરી શકાશે.
આજે વિશ્વના અનેક દેશો જળસંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ માનવ જીવનમાં પાણીના અમૂલ્ય મહત્વને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મિશન શરૂ કર્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ દૂરંદેશીપૂર્ણ અને રચનાત્મક અભિગમ અપનાવીને, દેશની જળસમૃદ્ધિ માટે અને જળસંકટથી આઝાદી માટે આ મિશનને શરૂ કરાવ્યું છે અને તેમાં જન-જનને પણ જોડવામાં આવી રહ્યા છે. લોકો સાધન-સામગ્રી, વસ્તુઓ, નાણાકીય કે શ્રમદાન કરીને દેશને જળ-સમૃદ્ધ બનાવવાના મિશનમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી શકે છે. અમૃત સરોવરોના નિર્માણથી સ્થાનિક સ્તરે પાણી ઉપલબ્ધ બનશે, તથા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે.
અમૃત સરોવર વિશે અન્ય એક મહત્ત્વની બાબત એ પણ છે કે, આ મિશન કોઈ એક વિભાગનું નથી પરંતુ સમગ્ર સરકારનું છે. દેશભર માટે નિર્ધારિત કરાયેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે “સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો પ્રયાસ”ના સૂત્ર મુજબ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેવા કે, ગ્રામીણ વિકાસ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય, બાઇસેગ-એન. સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.
અમૃત સરોવરોના નિર્માણ પર દેખરેખ માટે કેન્દ્રથી લઈને રાજ્ય અને જિલ્લા સ્તરે સક્ષમ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમના દ્વારા આ મિશનનું નિયમિત રીતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સરોવરના નિર્માણના તમામ સહભાગીઓ દ્વારા
અમૃત સરોવરો ખાતે ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન કરવામાં આવશે. જ્યારે દેશભરમાં અમૃત સરોવરો પર રાષ્ટ્રધ્વજ લહેરાશે.. ત્યારે ધ્વજવંદન સાથે અમૃત સરોવરોનું જળ પણ જાણે ગાશે.. “સુજલામ.. સુફલામ માતરમ.. વંદે માતરમ..”


Share

Related posts

The First poster Of ‘Mother Teresa & Me’, by Kamal Musale, Has Been Released, It Has Generated A Lot Of Buzz On Social Media

cradmin

હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટીંગ શરૂ કરાયુ

rajkotlive

આર.સે.ટી. રાજકોટ ખાતે આવતી કાલથી રાજકોટ ગ્રામ્યની બહેનો માટે બ્યુટીપાર્લર કોર્સની માસિક તાલીમનો પ્રારંભ

rajkotlive

Leave a Comment

error: Content is protected !!