રાજકોટઃ રાજકોટનાં ઉદ્યોગ સાહસિક મીના પટેલે આર્ટિઝન કાર્ડ થકી પોતાનો વ્યવસાય દેશ-વિદેશમાં પહોંચાડ્યો છે. હેન્ડીક્રાફ્ટ, મોતી-કામ વગેરે જેવા આર્ટવર્ક કરતા મીના પટેલ અનેક બહેનોને તાલીમ આપે છે, પોતાના ઉત્પાદનોનું સ્થાનિક બજારમાં વેચાણ કરે છે અને નિકાસ પણ કરે છે. તેઓ કહે છે, “ગુજરાત સરકારની હસ્તકલા સેતુ યોજના અંતર્ગત મેં આર્ટિઝન કાર્ડ કઢાવ્યું છે. એ પછી અમને ઘણો ફાયદો થયો છે. એનાથી બીજા રાજ્યો અને બીજા દેશોમાં જેમ કે, ઈટાલીમાં એક્ઝિબિશન કર્યા છે, અમારા ઉત્પાદનોનું સફળતાપૂર્વક દેશભરમાં અને બીજા દેશોમાં વેચાણ કરીએ છીએ. હસ્તકલા સેતુ યોજના દ્વારા ઘણી માહિતી મળે છે, જેમ કે, બહેનોએ વ્યવસાય કેવી રીતે આગળ વધારવો, ઉત્પાદનમાં શું ફેરફાર કરવા, ગુણવત્તા વધુ સારી રીતે કેવી રીતે કરવી વગેરેની તાલીમ પણ આપે છે. કઈ જગ્યાએ સારી રીતે વેચાણ કરી શકો, કેવી રીતે વેચાણ કરી શકો તે માટે વેચાણ કલાની તાલીમ આપે છે, માર્કેટિંગ કેવી રીતે કરશો તે બધી પ્રક્રિયા સરસ રીતે સમજાવે છે. જેનાથી અમને ઘણોબધો ફાયદો થયો છે. ઘણા બધા બહેનો આ પ્રોગ્રામમાં જોડાયા છે અને અમે બધા સફળતાપૂર્વક આગળ વધી રહયા છીએ. આ સ્કીમ અમને ખૂબ સારી રીતે ઉપયોગી થાય છે. ઉપરાંત બેન્ક લોન, સરકારી સહાય જેવી અનેક યોજનાઓથી અમને ઘણો ફાયદો થશે અને અમે છીએ તેના કરતાં ઘણા આગળ વધી શકીશું.”
*ધંધા માટે વગર વ્યાજની લોન અને સબસિડીથી કારીગરોને પ્રોત્સાહન મળે છેઃ પ્રકાશભાઈ મકવાણા*
રાજકોટઃ “અમે રાજકોટમાં પટોળા બનાવીએ છીએ. પેઢી દર પેઢી અમારું આ કામ ચાલુ છે. એ જમાનામાં અમારું કામ ધીમું ચાલતું. પણ વર્તમાન ટેક્નોલોજી, ફેશનના યુગમાં, હસ્તકલા સેવા સેતુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નવી નવી યોજનાઓ, પ્રદર્શનો, વેચાણનું માર્ગદર્શન વગેરે બાબતો અંગે ખૂબ સારી માહિતી મળે છે. તેનાથી અમારો ધંધો ઘણો વિકસ્યો છેઃ” આ શબ્દો છે પ્રકાશભાઈ મકવાણાના. જેઓ રાજકોટમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના લોનમેળા કેમ્પમાં જોડાયા હતા.
પ્રકાશભાઈ કહે છેઃ “હવે અમે નવી કો-ઓપરેટિવ સોસાયટી પણ બનાવી છે. જેમાં અમે ૫૧ સભ્યો સાથે મળીને પ્રોડક્ટસ બનાવીએ છીએ. જેથી બધાને રોજીરોટી મળે છે. હસ્તકલા સેવા સેતુએ ગુજરાતમાં કારીગરોને સહાય માટે ખૂબ સારું કામ કર્યું છે.
ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી અમને ઘણાબધા બેનિફિટ મળે છે. જેમ કે, વણકરોને વણકરી કામ માટે ૧૦ થી ૧૫ ટકા જેવું વળતર મળે છે.