*દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર સૈનિકોના પરિવારજનોના કલ્યાણ માટે ઉદાર હાથે ફાળો આપવા કલેકટરનો અનુરોધ*
ભારત વર્ષની સુરક્ષા અને સલામતી માટે સેવારત વીર સૈનિકોના પરિજનો ગૌરવ અને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે પ્રતિ વર્ષ ૭ ડીસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવવામાં આવે છે, જે નિમિત્તે દેશવાસીઓ સૈનિકોના ઋણસ્વીકાર અર્થે દાન આપે છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ. ૨૦ હજારથી વધુ દાન આપનાર દાતાઓનું કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.
આ તકે કલેકટર અરુણ મહેશ બાબુએ સર્વે દાતાઓનો આભાર માની જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સરહદો તેમજ દેશના આંતરિક પ્રદેશોની રક્ષા કરતા શહીદ વીર જવાનો તેમજ શારીરિક રીતે ઈજાગ્રસ્ત સૈનિકો અને તેમના પરિવારજનોને આર્થિક રીતે પગભર થવામાં, તેમના શિક્ષણ અને આરોગ્ય, દીકરીઓના લગ્ન અર્થે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ વિભાગ કાર્યરત છે. દેશવાસીઓની પવિત્ર ફરજ છે કે તેઓની જરૂરિયાત સમયે આપણે તેમની સાથે રહેવું જોઈએ. ગત વર્ષે રૂ. ૨૫ લાખના ટાર્ગેટ સામે પૂર્વ- શહિદ શૈનિકો તેમજ તેમના પરિવાજનોના ક્લ્યાણાર્થે સરકારી, અર્ધ સરકારી વિભાગો, બોર્ડ-નિગમો, શાળા-કોલેજ, સામાજિક સંસ્થાઓ તેમજ નાગરિકો દ્વારા વ્યક્તિગત રીતે ગત વર્ષે રૂ. ૩૭.૪૦ લાખ ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. તે જ રીતે વર્ષ-૨૦૨૩માં પણ ઉદાર હાથે ફાળો આપવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ હેઠળ ૩,૬૫૨ પૂર્વ સૈનિકો, ૭૨૩ સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ, ૧૨૪૦૨ આશ્રિતો સહીત કુલ ૧૬,૭૭૭ લાભાર્થીઓ નોંધાયેલા છે. જેઓને ગત વર્ષે રૂ. ૩૭,૩૦,૫૦૦ ની વિવિધ આર્થિક સહાય ચુકવવામાં આવી હોવાનું કમાન્ડર સંદીપ જયસ્વાલે જણાવ્યું હતું. સૈનિક કલ્યાણ અર્થે આપવામાં આવતું દાન ૮૦ જી અંતર્ગત ઇન્કમ ટેક્ષમાંથી કરમુક્ત રહે છે.
કલેકટર કચેરી ખાતે આયોજિત વિશેષ સન્માન સમારંભ તેમજ ત્રિમાસિક બેઠકમાં કલેકટર સહિત કેપ્ટન આર એસ જાડેજા, કેપ્ટન જયદેવ જોશી, એ.સી.પી.પઠાણ સહીત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.