*રાજકોટ શહેરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૯ ભોજન કેન્દ્રો કાર્યરત કરાશે*
*બાંધકામ સાઈટ પર ૫૦ થી વધુ શ્રમિકો હોય તેમને બાંધકામ સાઈટ ઉપર જ ભોજનની ડિલિવરી મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ*
ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલી બનાવાયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુનઃ શુભારંભ આગામી તા.૨૮/૦૧/૨૦૨૩ રોજ રૈયા ચોકડી કડીયાનાકું, હનુમાન મઢી તરફ પાણીની ટાંકી નજીક ખાતેથી સવારે ૯:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત આજ દિન સુધીમાં ૪ લાખ કરતા વધારે શ્રમિકોને દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન પુરૂં પાડવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ૨૦૧૭ થી અત્યાર સુધી કુલ – ૧.૧૮ કરોડ જેટલા ભોજનનું વિતરણ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંઘાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે.શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ. ૫ /- માં ટોકન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને જમવા માટે ભોજન આપવામાં આવે છે.બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે.
બાંધકામ સાઈટ પર ૫૦ થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ ઉપર જ ભોજનની ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે લાભાર્થીઓ પાસે કાર્ડ ન હોય તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી કરાવીને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે.
બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર તેમજ દવાઓ આપવા ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે. બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોનું અગમચેતીરૂપે મેડીકલ થાય તે હેતુથી “સંપૂર્ણ તબીબી સહાય યોજના” અંતર્ગત ECG, X-RAY જેવા ૧૭ પ્રકારના ટેસ્ટ કરી સમયસર નિદાન કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ ૧૦૫ કડીયાનાકા પર બાંધકામ શ્રમિકોને ભોજન આપવામાં આવશે.
રાજકોટ શહેરમાં કૂલ ૯ જગ્યાઓ પર બાંધકામ શ્રમિકોને ભોજન આપવામાં આવશે. જેમાં બાલાજી હોલ ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલની સામે રાજકોટ, બોરડી નાકું મવડી મેઈન રોડ માલવિયા પોલીસ ચોક, બોરડીના ઝાડ નીચે રાજકોટ, મવડી ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ, ખોડિયાલ હોટલ પાસે, મવડી ચોકડી – રાજકોટ, નીલકંઠ કડિયાનાકુ- ભક્તિ પોલીસ સ્ટેશન ગેટ પાસે રાજકોટ, પાણીના ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર પાસે, પેડક રોડ (હાલ સેટેલાઇટ ચોક),રાજકોટ રૈયા ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ હનુમાન મઢી તરફ પાણીની ટાંકી પાસે રાજકોટ, રણુજા મંદિરની પાસે, કોઠારીયા રોડ, રાજકોટ શાપર વેરાવળ ખાતે શાપર કડિયાનાકુ શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન ગેટ પાસે રાજકોટ તથા ગંજીવાડા ચોકડી આજીડેમ ચોકડીનો સમાવેશ કરવામાં આવશે.