*શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિશિષ્ટ મતદારોનું સન્માન કરાયું*
આજ રોજ ૧૩માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ “મતદાનથી વિશેષ કંઈ નથી, અમે અવશ્ય મતદાન કરીશું”ની થીમ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાન યોજાયો હતો.જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિશિષ્ટ મતદારોને સન્માનિત કરાયા હતા.
આ તકે ૭૩-ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી કે.વી.બાટી તથા ૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી સુરજ સુથારને શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી ઘોષિત કરાયા હતા. તેમજ શ્રેષ્ઠ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ૬૯-રાજકોટ પશ્ચિમ બેઠકના જાનકી પટેલ, ૭૦-રાજકોટ દક્ષિણના એચ. એન. પરમાર, ૭૧-રાજકોટ ગ્રામ્યના કમલેશ કરમટા, ૭૨-જસદણ બેઠકના એન.ડી. ગામી, ૭૪-જેતપુર બેઠકના ડી.એ.ગીનીયા, ૭૫-ધોરાજી બેઠકના એમ. ટી.ધનવાની એમ ૬ મદદનીશ ચૂંટણી અધિકારીને જાહેર કરાયા હતા.
આ ઉપરાંત, ૮ બી.એલ.ઓ. સુપર વાઈઝર, ૧૬ બૂથ લેવલ ઓફિસર અને ૪ આધાર લિંક અપ કરનાર બૂથ લેવલ ઓફિસરને ચૂંટણી સમયે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી તથા ૩ વયોવૃદ્ધ નાગરિકોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. તેમજ યુવાનોને પ્રોત્સાહિત કરવા પ્રતિનિધિરૂપ ૭ નવા મતદારોને ચૂંટણી ઓળખ પત્ર અપાયા હતા.સાથસાથે સ્વીપ (સીસ્ટમેટિક વોટર એજ્યુકેશનલ એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસીપેશન) પ્રોગ્રામ અંતર્ગત વિશિષ્ટ યોગદાન બદલ ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલ, પ્રયાસ પેરેન્ટ્સ એસોસીએશનના પ્રમુખ પૂજા વઘાસીયા, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષ પંડ્યા અને રેડિયો જોકી ધારાને નવાજયા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે મતદાન માત્ર નાગરિકોનો અધિકાર નથી, પરંતુ અધિકારની સાથે પ્રજાનો અવાજ પણ છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે સ્વીપ કાર્યક્રમમાં ફ્લેશ મોબ, વિવિધ સ્પર્ધાઓ જેવી પ્રવૃતિઓમાં જોડાઈને લોકશાહીના અવસરમાં રાજકોટવાસીઓ સહભાગી બન્યા છે. ત્યારે મતદાનથી વિશેષ કંઈ નથી, તે સુત્રને યાદ રાખી પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર સર્વે મતદાતાઓને અભિનંદન પાઠવું છું. તેમજ ચૂંટણીની જવાબદારીપૂર્ણ કામગીરી નિષ્ઠાથી નિભાવવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રેષ્ઠ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર,શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી વિવેક ટાંક તથા શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસર તરીકે ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ચેતનભાઈ લાડાણીને સન્માનિત કરાયા હતા. આથી, જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવનાર ત્રણેય અધિકારીઓને યાદ કરી તેમની કામગીરીને બિરદાવી હતી.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી એ જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે સૌથી મજબૂત અને જીવંત લોકશાહી તંત્ર ધરાવતા દેશમાં આપણો નેતા, પ્રજાનો પ્રતિનિધિ આપણે નક્કી કરી શકીએ છીએ. મતદાનના માધ્યમથી આપણે લોકતંત્રને સશક્ત અને વિકસિત બનાવી શકીએ છીએ. આથી, તમામ નાગરિકોએ અચૂક મતદાન કરવું જોઈએ.
આ તકે સ્પેશિયલ સી.પી. સૌરભ તોલુંમ્બીયા એ પ્રાસંગિક ઉદ્બોધનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસના ઇતિહાસ અને સ્વાતંત્ર્ય વીરોને યાદ કર્યા હતા.આર.સી.એમ.કમિશ્નર ધીમંત વ્યાસ એ મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. તેમજ કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર દ્વારા વિડિઓ સંદેશના માધ્યમથી ગુજરાત વિધાનસભાની સર્વસમાવેશક ચૂંટણીની સરાહના કરાઈ હતી.
આ કાર્યક્રમના આરંભમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. સ્વાગત પ્રવચન મતદાન નોંધણી અધિકારી સંદીપકુમાર વર્માએ કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશના ચુંટણી પંચ દ્વારા આજે લોન્ચ કરાયેલા ‘મૈં ભારત હું, ભારત હૈ મુજમેં’ ગીતને નિહાળ્યું હતું. તેમજ મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષક ધર્મેશભાઈ દવે અને આભાર વિધિ મામલતદાર જાનકીબેન પટેલએ કરી હતી.આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણ સહીત સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.