*રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડથી શિક્ષણ આરોગ્ય વીમા સહિતના મળતા વિશેષ લાભ*
રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે. અહીં અનેક ઇન્ડસ્ટ્રીયલ ઝોન તેમજ બાંધકામ સાઈટ પર પરપ્રાંતીય શ્રમિકો રોજગારી અર્થે આવે છે. રોજગાર સાથે તેઓના આરોગ્યની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા સુપેરે નિભાવવામાં આવે છે.
શ્રમિકોને સ્થળ પર જ આરોગ્યલક્ષી સેવાર્થે ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૫ થી ડીસેમ્બર – ૨૦૨૨ સુધીમાં પાંચ લાખથી વધુ શ્રમિકોને સાઈટ પર નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં આવી હોવાનું પ્રોજેક્ટ કોઓર્ડિનેરશ્રી જયેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું છે.
આ અંગે વિશેષ માહિતી આપતા તેઓ જણાવે છે કે, રાજકોટ ખાતે મધ્યપ્રદેશ , રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ સહિતના રાજ્યોના શ્રમિકો બાંધકામ તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યરત છે. તેઓને નાની મોટી બીમારી તેમજ ઇમર્જન્સીમાં મદદરૂપ બનવા રાજકોટ જિલ્લામાં ૪ ધન્વંતરિ રથ અને એક શ્રમ રથ કાર્યરત છે, જે સ્થળ પર જ તેઓની આરોગ્ય ચકાસણી, લેબ ટેસ્ટ તેમજ અન્ય સારવાર પુરી પાડે છે.
ગત માસમાં રાજકોટ શહેર તેમજ ગોંડલ રોડ, જામનગર રોડ, મોરબી રોડ વિસ્તારના શ્રમિક સાઈટ તેમજ ઔદ્યોગિક વિસ્તારોના ૧૩,૦૭૭ સહીત કુલ ૫,૩૪,૨૪૧ લોકોને આરોગ્ય સેવાનો લાભ આપવામાં આવ્યો છે. ઉપરાંત ગત માસમાં ૧,૮૩૭ સહિત ૭૭,૭૩૧ લેબોરેટરી ટેસ્ટ કરી અપાયા છે. શ્રમિકોમાં પુરુષ તેમજ મહિલાઓ પણ રોજગારી અર્થે કાર્યરત હોય છે. ગત માસમાં ૩,૪૧૦ સહિત અત્યાર સુધીમાં ૧,૫૧,૧૭૮ મહિલાઓને આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં આવી છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે.જેમાં શ્રમિકોને અકસ્માત વીમો,પ્રસૂતા મહિલાઓ,બાળકોને શિક્ષણ સહિતના લાભો મળવાપાત્ર હોવાનું જયેન્દ્રભાઈએ જણાવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા સેવાનું વિસ્તરણ કરી આવનારા સમયમાં બાંધકામ સાઈટ ઉપરાંત શ્રમિક વસાહતો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.