ભુજમાં 15 લાખના સોનાની ચોરી કરનાર ઇરાની ગેંગના બે શખ્સ 14.14 લાખના સોના સાથે ઝડપાયા
દેશભરમાં ચોરી માટે કુખ્યાત ઇરાની ગેંગે કચ્છના ભુજમાં ચાર દિવસ પૂર્વે જ્વેલર્સની નજર ચૂકવી રૂ.15 લાખના સોનાની ચોરી કરી હતી, ચોરી કરીને ભાગેલી ત્રિપુટીમાંથી બે શખ્સને રાજકોટ પોલીસે રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લઇ રૂ.14.14 લાખનું સોનું જપ્ત કર્યું હતું. ઝડપાયેલી બેલડીએ ગુજરાત, રાજસ્થાન, મુંબઇ, દિલ્હી અને કોલકાતામાં 45 ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
રાજકોટ પોલીસે આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી
મુંબઇમાં રહેતી ઇરાની ગેંગના ત્રણ શખ્સે ગત તા.15ના ભુજમાં જ્વેલર્સની દુકાનમાંથી રૂ.15 લાખના સોનાની ચોરી કરી હતી, એક શખ્સને મોરબી પોલીસે પકડી લેતા મુખ્ય બે શખ્સ રાજકોટ તરફ ભાગ્યા હોવાની માહિતી મળતાં રાજકોટ પોલીસે આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી હતી. બંને તસ્કર રેલવે સ્ટેશન નજીક હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ પી.એમ.ધાખડા સહિતની ટીમ દોડી ગઇ હતી.