બ્રિટન: કોરોનાના નવા સ્ટ્રેનથી હડકંપ મચ્યો, લંડન આવવા-જવા પર બૅન લાગી શકે છે
ફાઇઝરની વેક્સિનને ઇમરજન્સી મંજૂરી આપ્યા બાદ બ્રિટન કોરોના મહામારી પર જલદી કાબૂ મેળવવાની આશા રાખી રહ્યું હતું પરંતુ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવતાં ત્યાં હડકંપની સ્થિતિ છે. વડાપ્રધાન બોરિસ જોનસને મંત્રીઓની તાકીદની બેઠક બોલાવી સ્થિતિ અંગે ચર્ચા કરી. વાઇરસનો આ રહસ્યમય નવો સ્ટ્રેન લંડન અને ઇંગ્લેન્ડના દક્ષિણના ભાગોમાં વધુ જોવા મળી રહ્યો છે. બ્રિટિશ મીડિયાના અહેવાલો મુજબ, બોરિસ લંડનમાં ટ્રાવેલ બૅન લગાવવા વિચારી રહ્યા છે. તે અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને વીયુઆઇ-202012/01 ઓળખ અપાઇ છે. તે હાલના સ્ટ્રેનની સરખામણીમાં વધુ ઝડપથી મહામારી પ્રસરાવી રહ્યો હોવાનું કહેવાય છે. કેન્ટ કાઉન્ટીની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘણી વધી ગઇ છે. લંડનમાં નવા કેસ ઝડપથી વધ્યા છે.