બાઈડને બનાવી ઓલ ફીમેલ કોમ્યુનિકેશન ટીમ, ભારતવંશી નીરાને પણ મહત્વની જવાબદારી
અમેરિકામાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડન વ્હાઈટ હાઉસમાં ઓલ ફીમેલ સીનિયર કોમ્યુનિકેશન ટીમ તહેનાત કરશે. આ ટીમની આગેવાની કેટ બેડિંગફીલ્ડ કરશે. તેઓ વ્હાઈટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર હશે. બાઈડને લાંબા સમયથી ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તા જેન સાકીને પોતાના પ્રેસ સેક્રેટરી બનાવવાનો નિર્ણય કર્યો છે. તો ભારતવંશી નીરા ટંડનને પણ પ્રશાસનમાં મહત્વની જવાબદારી આપવામાં આવી છે.
બાઈડને એક સ્ટેટમેન્ટ જાહેર કરી કહ્યું- અમેરિકાના લોકો સાથે સીધો અને યોગ્ય સંવાદ રાખવાની જવાબદારી રાષ્ટ્રપતિની છે. આ ટીમ પર વ્હાઈટ હાઉસને અમેરિકન લોકો સાથે જોડવાની જવાબદારી છે. મને વિશ્વાસ છે કે આ ટીમ તેને સોંપવામાં આવેલી જવાબદારી સારી રીતે પાર પાડશે. ટીમના યોગ્ય અને અનુભવી કોમ્યુનિકેટર અલગ અલગ મુદ્દે કામ કરશે. ટીમના તમામ સભ્યો અમેરિકાને ફરીથી ઉમદા રાષ્ટ્ર બનાવવાના મિશનમાં કાર્યરત રહેશે.