દેશમાં વિખ્યાત બનેલા રણોત્સવમાં તંબુનગરીને બાદ કરતાં પણ અંદાજિત 40 કરોડના અર્થતંત્રને આ કોરોનાકાળમાં જબ્બર ફટકો લાગ્યો છે અને ઊંટગાડીવાળાથી માંડીને હસ્તકલા અને સ્ટેહોમ-ભુંગા રિસોર્ટના ધંધાર્થીઓના ધંધામાં લગભગ 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
આમદાનીમાં આ વર્ષે 32 કરોડનો ઘટાડો નોંધાવાનો અંદાજ
રણોત્સવના સાડાત્રણ માસ દરમિયાન થનારી આવકમાં આ વર્ષે 32 કરોડનો ઘટાડો નોંધાવાનો અંદાજ વછે. બન્ની વિસ્તારમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ટેન્ટ સિટીમાં પણ ઓછું બુકિંગ છે, પરંતુ એ સિવાયના ભીરંડિયારાથી ધોરડો સુધી પથરાયેલા રિસોર્ટ બંધ છે. પરિણામે, માત્ર ગુજરાતના છૂટક પર્યટકો એકાદ દિવસની સહેલગાહે આવી રહ્યા છે. દિવાળી પર્વમાં પ્રવાસીઓનો પ્રવાહ અડધાથીયે ઓછો રહ્યો હતો અને લાભપાંચમ પછી તો એ પ્રવાહ પણ નહીંવત બન્યો છે. પરિણામસ્વરૂપ રણોત્સવ આધારિત ઇકોનોમી પર 12 વર્ષ પછી પહેલી વખત કોરોનાનો કાળમુખો ઓછાયો પડયો છે.