કોવિડની મહામારીમાં સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડે સારવાર માટે દાખલ થયેલા દર્દીના ખોવાઈ ગયેલા રૂ. 4.20 લાખ પાછા આપી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં થોડા સમય પહેલાં વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા આઇસીયુમાં દાખલ કરાયેલા દર્દી તેમજ મૃતદેહ પરથી દાગીના કાઢી લેવાયાની ફરિયાદ સાંભળવા મળી હતી, પરંતુ બે-ત્રણ દિવસ પહેલાં 1200 બેડ કોવિડ હોસ્પિટલના વોર્ડમાં સારવાર લઇ રહેલા નિવૃત્ત અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધ પોતાની સાથે રૂ. 4.20 લાખ લઇને આવ્યા હતા. ત્યાર બાદ તેમની હાલત લથડતાં તેમને આઇસીયુમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન તેમની પાસેની પૈસાની થેલી વોર્ડમાં જ રહી ગઇ હતી. આ અંગે તેમણે હોસ્પિટલની સિક્યોરિટી એજન્સીના સ્ટાફને જાણ કરતાં સિક્યોરિટીના હેડ ગાર્ડ અરવિંદ સોલંકીએ શોધખોળ કરીને રૂ. 4.20 લાખ ભરેલી થેલી દર્દીને સોંપી હતી. હોસ્પિટલે શહેરની બહાર રહેતા દર્દીના દીકરાને બોલાવીને રૂપિયાની થેલી પરત કરી હતી.