ઓક્સફર્ડ દ્વારા ડેવલપ કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનનું ઉત્પાદન ભારતની સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા કરવાની છે ત્યારે દેશની અન્ય એક કંપનીએ રશિયામાં ડેવલપ થયેલી કોવિડ-19 રસીનું દેશમાં ઉત્પાદન કરવા માટે કરાર કર્યા છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ RDIF અને ભારતની અગ્રણી જિનેરિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈકીની એક હૈદરાબાદની હેટેરો તેની બાયોલોજીકલ પાંખ હેટેરો બાયોફાર્મા દ્વારા નોવલ કોરોના વાઇરસ ઇન્ફેક્શન માટેની રસી સ્પુતનિક-Vના વાર્ષિક 10 કરોડથી વધુ ડોઝનું ભારતમાં ઉત્પાદન કરવા માટે કરાર કર્યા છે. રસીનું ઉત્પાદન 2021ની શરૂઆતમાં હાથ ધરાશે.
ભારતમાં રશિયન રસીના ઉત્પાદન માટેનો માર્ગ ખુલશે
રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના CEO કિરિલ દિમિત્રિવે જણાવ્યું હતું કે, આ કરારથી ભારતની ધરતી ઉપર સુરક્ષિત અને અત્યંત અસરકારક સ્પુતનિક-V રસીના ઉત્પાદન માટેનો માર્ગ ખુલશે. રસીના આંતરિક ક્લિનિકલ ટ્રાયલના પરિણામો પ્રથમ ડોઝના 42 દિવસ બાદ 95 ટકા અસરકારકતા દર્શાવે છે. હેટેરો સાથેના જોડાણથી અમે ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા સક્ષમ બનીશું તેમજ ભારતના લોકોને મહામારીના પડકારજનક સમયમાં અસરકારક ઉકેલ આપી શકીશું.